દેશમા સતત વધી રહેલા કોરોનાના ભય વચ્ચે સમગ્ર દેશ ૨૧ દિવસ લોકડાઉન

March 25, 2020
 627
દેશમા સતત વધી રહેલા કોરોનાના ભય વચ્ચે સમગ્ર દેશ ૨૧ દિવસ લોકડાઉન

દેશમા સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે પીએમ મોદી સમગ્ર દેશને ૨૧ દિવસ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમણે દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે વિશ્વ ભરના અનુભવથી જાણવા મળ્યું છે કે કોરોના વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય લોકોથી દુરી બનાવી રાખવાનો છે. જેના લીધે હું આજે તમારા ત્રણ સપ્તાહ લેવા આવ્યો છે. જે દરમ્યાન તમારે ઘરમાં જ રહીને સરકારને મદદ કરવાની છે. હાલ દેશના કોરાના પોઝીટીવ કેસની સંખ્યા ૫૧૨ એ પહોંચી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે કોવિડ-19થી દુનિયાના ઘણા દેશો અસરગ્રસ્ત થયા છે અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને ‘મહામારી’ જાહેર કર્યો છે.ભારત સરકાર તબક્કાવાર આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ કડક કરવી, જાહેરજનતા માટે માર્ગદર્શિકા બહાર પાડવી, ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવી, વાયરસ દ્વારા અસરગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને વિવિધ સામાજિક અંતરના પગલાંથી શરૂઆત કરીને આ બીમારીને નિયંત્રણમાં લેવા માટે સક્રીય, સુરક્ષાત્મક અને શમનકારી પગલાં લઇ રહી છે. આ વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. સરકારે મેટ્રો અને રેલવે સેવાઓ તેમજ ઘરેલું એર ટ્રાફિકને હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ઘણા દેશોમાં આ બીમારીના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે તેમનાથી વિપરિત, કોવિડ-19ના ફેલાવાને સફળતાપૂર્વક નિયંત્રણમાં લાવનારા દેશોના વૈશ્વિક અનુભવ પર જે નિષ્ણાતો નજર રાખી રહ્યા છે તેઓ સુચવે છે કે, સામાજિક અંતર જાળવવા માટે અસરકારક પગલાં લેવામાં આવે તે આ મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવી શકાય છે.

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવેલા પગલાં સાચી દિશામાં હોવા છતાં, અપનાવવામાં આવેલા આ પગલાઓમાં એકસમાનતા તેમજ તેના અમલીકરણના અભાવના કારણે, વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લેવાનો જે ઉદ્દેશ્ય છે તે સિદ્ધ થતો નથી. તેથી આ અંતર્ગત 24.03.2020ના રોજ ભારત સરકારના મંત્રાલયો ,રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય/કેન્દ્ર શાસિત સત્તામંડળોને કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે સામાજિક અંતર રાખવાનું સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવાના નિર્દેશ આપતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ દેશના તમામ ભાગોમાં 25.03.2020થી 21 દિવસ સુધી અમલમાં રહેશે.

ભારત સરકારના મંત્રાલયો અને રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત વહીવટી તંત્રોને આ આદેશોનું ચુસ્તપાલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશોના અમલીકરણ પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દેખરેખ રાખવામાં આવશે.

Share: