ગુજરાતના સાંસદ અહમદ પટેલે સીએમ રૂપાણીને કોરોના મહામારી દરમ્યાન ગરીબોની વિશેષ કાળજી લેવા અપીલ કરી

March 25, 2020
 374
ગુજરાતના સાંસદ અહમદ પટેલે સીએમ રૂપાણીને કોરોના મહામારી દરમ્યાન  ગરીબોની વિશેષ કાળજી લેવા અપીલ  કરી

ગુજરાતના સાંસદ અહમદ પટેલે રાજયમા ફેલાયેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે સીએમ રૂપાણીને કચડાયેલા અને ગરીબ લોકો ભુખમરીનો સામનો ના કરે તેની વિશેષ કાળજી લેવા અપીલ કરી છે. તેમજ ગરીબ લોકોને પીડીએસ વ્યવસ્થા હેઠળ અનાજ, ખાંડ અને તેલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી વિનામુલ્યે મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. તેમણે સીએમ રૂપાણીને પત્ર લખી આ માંગ કરી છે.

આ ઉપરાંત તેમણે લખ્યું છે કે આ રોગને લઈને પરિસ્થીતી ગંભીર થાય તે પૂર્વે કોરોના ટેસ્ટ માટે વધુમા વધુ લેબોરેટરી ઉમેરાય અને પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવા તથા સેનીટાઈઝર અને માસ્ક વિનામુલ્યે આપવાની પણ માંગ કરી હતી.

સાંસદ અહમદ પટેલે લખ્યું છે કે કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યામા વધે તો આવા દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે રાજયની સરકારી હોસ્પિટલમાં તબીબી સ્ટાફ, વેન્ટીલેટર, દવાઓ અને આઈસોલેશન વોર્ડની સુવિધા રાખવાની જરૂર છે. તેમજ આ પ્રકોપની સામેની લડતના જાહેર હિતમા જે કોઈ પગલા લેવામા આવે તેમા કોંગ્રેસ પક્ષ અને તેનો અદનો કાર્યકર સરકારની સાથે રહેશે તેની હું ખાત્રી આપું છું.

આ ઉપરાંત તેમણે સીએમ રૂપાણીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ કલેકટર સાથે ચર્ચા થઈ હતી. મેં કલેકટરને મારા સાંસદ નિધિમાંથી આ મહામારી માટે સંશાધનોની જરૂર માટે ગ્રાન્ટ આપવાની વાત કરી હતી. જો કે તેમણે કહ્યું કે સાંસદ નિધિમાંથી આવા પ્રકારના ફંડની કોઈ જોગવાઈ નથી. હું કેન્દ્ર સરકારની કક્ષાએ આ બાબત ધ્યાન પર લઈ રહ્યો છું ત્યારે આ બાબતે ગુજરાત સરકારના વહીવટીતંત્રને આપ સુચના આપો તેવી વિનંતી છે.

Share: