ગુજરાતમા લોકડાઉનમા ખાદ્ય ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા સરકારે કવાયત હાથ ધરી 

March 29, 2020
 995
ગુજરાતમા લોકડાઉનમા ખાદ્ય ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા સરકારે કવાયત હાથ ધરી 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાગરિકોને ખાદ્ય અન્ન આટો-લોટ-દાળ જેવી ચીજવસ્તુ સરળતાએ મળે તે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૪ મહાનગરોના ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

સીએમ રૂપાણીએ આ સંદર્ભમાં જિલ્લા કલેકટર, પોલીસતંત્ર અને પુરવઠા અધિકારીઓને સુચારૂ સંકલન રાખી આવા મિલર્સની સપ્લાય ચેઇન બંધ ન થાય તે જોવા તાકિદ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હાલની સ્થિતીમાં ઘઉ, ચોખા, બાજરી, દાળ જેવા ખાદ્યાન્નને બદલે તેના તૈયાર લોટ-આટાની માંગ વધુ રહેવાની છે.

આ હેતુસર ફલોર અને પલ્સ મિલ્સમાં આવતા અનાજને દળીને આટો-લોટ તૈયાર થાય તે માટે અન્ય રાજ્યોમાંથી આવતા આવા અન્ન પુરવઠાનું વહન પણ નિર્વિધ્ને ચાલુ રહે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકોએ તેમના માલને મિલ સુધી અને તે પછી આટાને લાસ્ટ માઇલ કનેકટીવીટી સુધી પહોચાડવામાં આંતર રાજ્ય-આંતર જિલ્લા હેરફેરમાં સરકારને મદદરૂપ થવા કરેલી રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અને વહિવટીતંત્રોને યોગ્ય પ્રબંધ માટેની સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરે આવા આટા-લોટની હોલસેલ અને રિટેઇલ માર્કેટ ચેઇન તૂટે નહિ તે માટે જરૂરી વાહન-વ્યકિતઓને પાસ ઇસ્યુ કરવાની પણ તાકીદ કરી હતી. સીએમ રૂપાણીએ રાજ્યના આવા જે ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો અન્ય રાજ્યોમાં સપ્લાય કરે છે તે પણ જળવાઇ રહે અને અન્ય રાજ્યોના નાગરિકોને પણ કોઇ દુવિધા ન રહે તે જોવા આ મિલ સંચાલકોને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં જરૂરી ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ તત્કાલ તૈયાર કરીને જિલ્લાતંત્રોને પહોચાડશે અને સંપૂર્ણ વ્યવસ્થા કોઇ જ વિધ્ન વિના સુપેરે ચાલે તેવી વ્યવસ્થા ગોઠવશે. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના તથા દાહોદના ફલોર-પલ્સ મિલ્સ સંચાલકો જોડાયા હતા.

Share: