કોરોના એલર્ટ : ગુજરાતમા ખાનગી તબીબો અને તેમના સ્ટાફને  વિના મુલ્યે એન-૯૫ માસ્ક અપાશે 

April 04, 2020
 636
કોરોના એલર્ટ : ગુજરાતમા ખાનગી તબીબો અને તેમના સ્ટાફને  વિના મુલ્યે એન-૯૫ માસ્ક અપાશે 

ગુજરાતમા કોરોના વાયરસ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા માટે કાર્યરત રહેલા ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ અંગે જણાવતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની ભુમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસના દરદીઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા સરકારી તબીબો, આરોગ્ય રક્ષાકર્મીઓ, પેરામેડિકલ અને નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે.આવા સેવા કર્મીઓને પોતાના આરોગ્યનું કોઇ જોખમ ઊભું ન થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા સરકારી તબીબી, મેડિકલ સ્ટાફ વગેરેની આરોગ્ય સુરક્ષાના પુરતો પ્રબંધ કરાવેલો છે.

મુખ્યમંત્રીએ હવે, રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કર્યો છે કે, પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના દવાખાના-કલીનીક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દરદીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ N-95 માસ્ક વિના મૂલ્યે આપવામાં આવશે.મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર રપ હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડયા છે.

મુખ્યમંત્રીએ કોરોના વાયરસથી સંક્રમિત કે સંભવિત સંક્રમિત દરદીઓની સારવાર દરમ્યાન ખાનગી તબીબોની હેલ્થ સેફટી જળવાઇ રહે અને પ્રવર્તમાન સ્થિતીમાં તેમની સેવાઓ પણ સમાજને મળતી રહે તેની અગત્યતા ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે તેમ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

Share: