ગુજરાતમાંથી પીએમ મોદીની લોકસભા બેઠક મુદ્દે ઉભો થયો વિવાદ, નેતાઓમાં જ મતભેદ

March 15, 2019
 755
ગુજરાતમાંથી  પીએમ મોદીની  લોકસભા બેઠક મુદ્દે  ઉભો થયો વિવાદ, નેતાઓમાં જ  મતભેદ

ગુજરાતમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ભાજપે તમામ બેઠકો પર ત્રણ નિરીક્ષકોની ટીમ પણ જાહેર કરી દીધી છે. જેમાં સૌરાષ્ટ્રની અલગ અલગ બેઠકો માટે ઉમેદવારોના સેન્સ લેવાની પ્રકિયા પણ શરુ કરવામાં આવી છે.

તેવા સમયે પીએમ મોદી રાજકોટથી લોકસભા ચુંટણી લડશે કે નહીં તે મુદ્દે ભાજપના નેતા બાબુભાઈ જેબલિયા અને નરહરી અમીન દ્વારા અલગ અલગ નિવેદન સામે આપ્યા છે. પીએમ મોદીના ચૂંટણી લડવા અંગે બાબુભાઈ જેબલિયાએ પ્રતિક્રિયા આપી હતી કે રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે ઘણા દાવેદારો છે. પીએમ મોદી રાજકોટથી ચૂંટણી નહી લડે. તેમજ આ વાતને પાયા વિહોણી કહી હતી.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રની બેઠકો પર આગામી ૩ દિવસ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટ ખાતે સેન્સની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટના નિરીક્ષકો નરહરી અમીન, બાબુભાઈ જેબલીયા અને જયાબેન ઠક્કરે રાજકોટ લોકસભા બેઠકના દાવેદારો અને અપેક્ષિત કાર્યકર્તા સાથે બેઠક યોજી સેન્સ પ્રકિયા હાથ ધરી હતી.

આ ઉપરાંત હાલમાં ભાજપના વર્તમાન સાંસદ મોહન કુંડારિયાનો સતત વિરોધ થઈ રહ્યો છે. તેમજ તેના લીધે રાજકોટમાં ઉમેદવાર બદલવાની કવાયત પણ ભાજપે હાથ ધરી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં પીએમ મોદી દ્વારા સતત રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનેક વિધ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે.

જેમાં તેમણે રાજકોટ ને કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર પહોચાડવા અને ફોર લેન હાઈવેને સિક્સ લેન માટે મંજુરી આપવા સહીતની ભેટ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકારણમાં વિધિવત પ્રવેશ વખતે નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં ફરજ બજાવી હતી.

જેના લીધે હાલમાં જ પીએમ મોદી વારાણસી ઉપરાંત ગુજરાતમાં વડોદરાને સ્થાને આ વખતે રાજકોટ બેઠક પરથી લોકસભા ચુંટણી લડે તેવી શકયતા છે. જેને લઈને ભાજપના કાર્યકરોમાં અત્યારથી ખટરાગ જોવા મળી રહ્યો છે.

Share: