પીવી સિંધુ અને સાયના નહેવાલે સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં બનાવી જગ્યા

April 11, 2019
 219
પીવી સિંધુ અને સાયના નહેવાલે સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં બનાવી જગ્યા

ઓલોમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભારતની પીવી સિંધુ અને બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે સિંગાપુર ઓપનમાં શાનદાર પ્રદર્શન કરી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ચોથી ક્રમાંકિત પીવી સિંધુએ ૩૫૫૦૦૦ અમેરિકી ડોલર વાળી આ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-૨૨ ડેનમાર્કની મિયા બ્લિફેલ્ડરને સીધી રમતમાં ૨૧-૧૩,૨૧-૧૯ થી હરાવી દીધી હતી.

બંને ખેલાડીઓની વચ્ચે આ મુકાબલો ૪૦ મિનીટ સુધી ચાલ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર રહેલી પીવી સિંધુની ડેનમાર્ક હરીફ સામે આ બીજી મેચ હતી અને તેમને શરૂઆતથી જ શાનદાર રમત દેખાડી હતી. પ્રથમ રમતમાં પીવી સિંધુએ એકતરફી જીત પ્રાપ્ત કરી જયારે બીજી રમતમાં તેમને થોડી ટક્કર મળી હતી.

તેમ છતાં, મિયા બ્લિફેલ્ડર તેમને પ્રતિયોગીતામાં આગળ વધવાથી રોકી શકી નહોતી. આ વર્ષની શરૂઆતમાં સ્પેન માસ્ટર્સનું ટાઈટલ જીતનારી મિયા બ્લિફેલ્ડર સામે બંને મેચમાં પીવી સિંધુ જીત પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. ક્વાટર ફાઈનલમાં ભારતીય ખેલાડીનો સામનો ચીનની કાઈ યાનયાનથી થશે.

છઠ્ઠી ક્રમાંકિત સાઈના નેહવાલે બીજા રાઉન્ડમાં થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૯ થી હરાવી દીધી હતી. સાયના નહેવાલે એક કલાક સાત મિનીટમાં આ મુકાબલો જીત્યો હતો. વર્લ્ડ નંબર-૯ સાયના નહેવાલની વર્લ્ડ નંબર-૨૧ ચોચુવોંગ સામે છ મેચમાં આ પાંચમી જીત છે.

ક્વાર્ટર ફાઈનલમાં સાયના નહેવાલનો સામનો વર્લ્ડ નંબર-૩ અને બીજી ક્રમાંકિત જાપાનની નોજોમી ઓકુહારાથી થશે, જેની સામે તેમનો ૯-૪ નો રેકોર્ડ છે. આ દરમિયાન પુરુષ યુગલમાં પારુપલ્લી કશ્યપ પોતાના બીજા રાઉન્ડના મુકાબલામાં ચોથા ક્રમાંકિત ચીનના ચેન લોંગથી ૯-૨૧, ૨૧-૧૫, ૧૬-૨૧ થી હારી ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા હતા.

Share: