લોકસભા ચુંટણીમાં વિપક્ષોએ કર્યો ઈવીએમમાં ગડબડીનો આક્ષેપ, કરશે સુપ્રિમ કોર્ટમા અરજી

April 15, 2019
 717
લોકસભા ચુંટણીમાં  વિપક્ષોએ  કર્યો  ઈવીએમમાં ગડબડીનો  આક્ષેપ, કરશે સુપ્રિમ કોર્ટમા અરજી

દેશમાં લોકસભા ચુંટણીના પ્રથમ તબક્કામાં ૯૧ લોકસભા બેઠક માટેનું મતદાન ૧૧ એપ્રિલના રોજ પૂર્ણ થયું છે. જયારે બીજા તબક્કામાં ૯૭ બેઠકો માટેનું મતદાન ૧૮ એપ્રિલના રોજ યોજાવવાનું છે. આ દરમ્યાન રવિવારે દિલ્હી પ્રેસ ક્લબમાં વિપક્ષી દળોએ ઈવીએમ અને વીવીપેટ મુદ્દે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વિપક્ષે ઈવીએમ છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જેની સાથે આ મામલે સુપ્રિમ કોર્ટમાં લઈ જવાની પણ જાહેરાત કરી હતી. વિપક્ષી દળોનો આરોપ છે કે ઈવીએમમાં ગરબડ કરવામાં આવી છે. જેમાં ઈવીએમ મત આપ્યા બાદ વિવીપેટમાંથી અલગ નામની કાપલી નીકળે છે.

જેમાં કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઈવીએમમાં વોટીંગ કર્યા બાદ સ્લીપ સાત સેકન્ડ સુધી દેખાવવાના બદલે માત્ર ૩ સેકન્ડ જ ડિસ્પ્લે પર રહે છે. વિપક્ષી નેતાઓએ લોકતંત્ર બચાવોના નામે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંધવી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ હતા.

કોંગ્રેસ નેતા સિંધવીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદાન દરમ્યાન અનેક જગ્યાઓએ ઈવીએમને લઈને અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં એક ફરિયાદ મુજબ અને વ્યક્તિએ એક પક્ષને મત આપ્યો છે જયારે વીવીપેટમાં તે મત બીજા પક્ષને મળ્યો હોવાનું દેખાયું હતું. એનો મતલબ એ છે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે.

જયારે અરવિદ કેજરીવાલે કહ્યું કે મશીનોમાં કોઈ ખામી નથી પરંતુ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમજ ઈવીએમ એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે વોટ માત્ર ભાજપને જ જાય છે. સીએમ કેજરીવાલે કહ્યું કે હું એન્જીનીયર છું હું બધું જ જાણું છું. આ ઉપરાંત વિપક્ષે મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ રહ્યા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ અંગે ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે તેલંગાનામાં ખોટી રીતે ૨૫ લાખ મતદારોના નામ ગાયબ કરવામાં આવ્યા છે. તેમજ વોટીંગ સંખ્યા અને મતગણના આવેલા મતદારો સંખ્યા અલગ અલગ કેવી રીતે હોઈ શકે.

Share: