પીએમ મોદીએ ખેડૂતોને કરેલા વાયદા પૂર્ણ નથી કર્યા : રાહુલ ગાંધી

April 25, 2019
 679
 પીએમ  મોદીએ ખેડૂતોને કરેલા વાયદા  પૂર્ણ નથી કર્યા  : રાહુલ ગાંધી

રાજસ્થાનના ઝાલોરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી. તેમણે ખેડૂતો માટે કશું જ કર્યું નથી. અમે હાલમાં ત્રણ રાજ્યોમાં જીત મેળવી હતી અને અમે વાયદો કર્યો હતો કે ખેડૂતોના દેવા માફ કરીશું અને સરકાર બન્યાને બે જ દિવસમાં વાયદો પૂર્ણ કર્યો હતો.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રમાં અમારી સરકાર બનતાની સાથે જ અમે ખેડૂતો માટે મોટા કામ કરવા જઈ રહ્યા છીએ. અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું. ખેડૂતોને પહેલેથી જ ખબર પડી જશે કે તેમની માટે બજેટમાં શું છે.અમારી સરકાર દેવું લેવા પર અને જો ચુકવવામાં ના આવે તો ખેડૂતોને જેલમાં ધકેલવામાં નહીં આવે. અમે કાયદામાં બદલાવ લાવીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમારા મનની વાત સાંભળીશું મનની વાત નહી કરીએ.અમે જનતાની વાત સાંભળીને કામ કરીશું. એવું નહી કે માત્ર ૧૦ -૧૫ દિવસમાં એક વાર આવીને મન ની વાત કરીને ગાયબ થઈ જઈએ.

કોંગ્રેસની સરકાર આવવાની સ્થિતિમાં જીએસટીને ખતમ કરવામાં આવશે. રાહુલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હજારો કરોડ રૂપિયા અદાણી અને અંબાણી જેવા લોકોને આપી દેવામાં આવ્યા છે. ત્રણ લાખ ૫૬ હજાર કરોડ રૂપિયા ૧૫ અમીર લોકોને આપી દેવામાં આવ્યા છે. જંતરમંતર ઉપર દેખાવ કરીને લોકો પહોંચ્યા ત્યારે તેમની વાત સાંભળવામાં આવી ન હતી. ગબ્બરસિંહ ટેક્સના કારણે લોકોની હાલત કફોડી બની છે.

૨૦૧૯ની ચૂંટણીમાં જીત થતાંની સાથે જ જીએસટીને ખતમ કરવામાં આવશે. એક ટેક્સ ઓછામાં ઓછા ટેક્સની વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે. રાહુલે ન્યાય યોજના મારફતે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ન્યાય યોજનાથી ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે.

જો વર્તમાન સરકાર કરોડો રૂપિયા અંબાણીને આપી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ગરીબ લોકોને પણ પૈસા આપી શકે છે. એક નવી સ્કીમ ન્યાય યોજના ચલાવવામાં આવશે. ચૂંટણી જીત્યા બાદ દેશના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોની ઓળખ કરવામાં આવશે. સૌથી ગરીબ લોકોને ૭૨૦૦૦ રૂપિયા વાર્ષિક અપાશે.

Share: