લોકસભા ચુંટણીના છઠ્ઠા તબક્કા માટે સાત રાજયોમાં આવતીકાલે મતદાન, કડક સુરક્ષા વ્યવસ્થા

May 11, 2019
 1227
લોકસભા ચુંટણીના છઠ્ઠા તબક્કા માટે સાત રાજયોમાં આવતીકાલે મતદાન, કડક સુરક્ષા વ્યવસ્થા

લોકસભા ચુંટણીના છઠ્ઠા તબક્કામા સાત રાજયોની ૫૯ બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે. આ તબક્કામાં યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, શીલા દીક્ષિત અને દિગ્વિજયસિંહ સહિત અનેક વીઆઈપી ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થશે. આ તમામ ચુંટણીમાં પરિણામ ૨૩ મે ના રોજ જાહેર કરવામાં આવશે.

જેમાં આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં કુલ ૧૪ બેઠકો માટે ૧૭૭ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં યુપીમાં આઝમગઢ બેઠક પરથી પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિરુદ્ધ ભાજપે ભોજપુરી સ્ટાર દિનેશ લાલને મેદાનમાં ઉતાર્યા છે. જયારે ઇલાહાબાદમાં ભાજપના રીતા બહુગુણા મેદાનમાં છે. તેમજ ભાજપમાંથી મેનકા ગાંધી પણ સુલતાનપુર બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. આ પૂર્વે તે પીલીભીત લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા.

જયારે મધ્યપ્રદેશમાં કુલ ૮ લોકસભા બેઠક પર ચુંટણી યોજાવવાની છે. જેમાં સૌથી વધુ ધ્યાન ભોપાલ બેઠક પર રહેશે કારણ કે આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ વિરુદ્ધ માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. મધ્ય પ્રદેશથી ગુના લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જ્યોતિરાદીત્ય સિંધિયા અને ભાજપના કેપી યાદવ વચ્ચે મુકાબલો છે.

દિલ્હીમાં સાત લોકસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. જેમાં ઉત્તર પૂર્વી બેઠક પર ત્રણ વાર દિલ્હીના સીએમ રહેલા કોંગ્રેસના શીલા દીક્ષિત અને સાંસદ મનોજ તિવારી વચ્ચે કાંટાની ટક્કર છે. આ સીટ પર આપના દિલીપ પાંડે પણ મેદાનમાં છે. જયારે પૂર્વ દિલ્હી બેઠક પર આ વખતે ત્રણ વીઆઈપી ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ તરફથી ક્રિકેટર ગૌતમ ગંભીર, કોંગ્રેસ પૂર્વ પરિવહન મંત્રી અરવિંદસિંહ લવલી અને આપના આતિશી મેદાનમા છે.

જયારે સાઉથ દિલ્હીમાં કોંગ્રેસે બોક્સર વિજેન્દ્રસિંહને ઉમેદવાર બનાવ્યા છે. ચાંદની ચોકમાંથી ભાજપે ડો હર્ષવર્ધનને મેદાનમાં ઉતાર્યા છે જયારે તેમની વિરુદ્ધ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જય પ્રકાશ ગોયલ અને આપના પંકજ ગુપ્તા ઉમેદવાર છે. જયારે ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ભાજપે પંજાબી ગાયક હંસ રાજ હંસને ટીકીટ આપી છે.

આ ઉપરાંત હરિયાણામાં ૧૦ બેઠકો પર મતદાન યોજાવવાનું છે. જેની માટે ૨૨૩ ઉમેદવારો મેદાનમા છે. જેમાં હરિયાણામાં સોનીપતથી પૂર્વ સીએમ ભુપેન્દ્ર હુડ્ડા મેદાનમાં છે. રોહતક બેઠક પરથી હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા ચુંટણી લડી રહ્યા છે. આ તબક્કામાં ઝારખંડની કુલ લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં ઝારખંડની ઘનબાદ બેઠક પરથી હાલમાં પક્ષમાં સામલે પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ ચુંટણી મેદાનમા છે.

જયારે બિહારની કુલ ૮ લોકસભા બેઠક માટે મતદાન યોજાશે. જેમાં કુલ ૧૨૭ ઉમેદવારો છે. જયારે છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચુંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ખાસ સુવિધા કરી છે. જેમાં પેરામીલીટરી ફોર્સની કુલ ૬૦૨ કંપનીઓ તૈનાત કરવામા આવી છે.

લોકસભા ચુંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધી કુલ ૪૨૪ બેઠકો માટે મતદાન યોજાયું છે અને તેની ટકાવારી ૬૫ ટકાની આસપાસ જોવા મળી છે.

Share: