દેશ કરતા પાંચ ગણી વધી સાંસદોની આર્થિક વૃદ્ધિ, સંપત્તિમાં થયો ૪૧ ટકાનો વધારો

May 14, 2019
 949
દેશ કરતા પાંચ ગણી વધી સાંસદોની આર્થિક વૃદ્ધિ, સંપત્તિમાં થયો ૪૧ ટકાનો વધારો

છેલ્લા પાંચ વર્ષમાં દેશની આર્થિક વૃદ્ધિ દર ૮.૨ ટકા રહ્યો છે, જ્યારે દેશમાં સાંસદોનો આર્થિક વૃદ્ધિ દર ઘણો થયો છે. પાંચ વર્ષમાં, સાંસદોની સંપત્તિમાં ૪૧ ટકાનો વધારો થયો છે. તેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) ની રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી લડી રહેલ ૩૩૮ માંથી ૩૩૫ વર્તમાન સાંસદ સભ્યોની સંપત્તિ ૨૩.૬૫ કરોડ રૂપિયા છે.

વર્ષ ૨૦૧૪ માં આ સાંસદ સભ્યોની સંપત્તિ ૧૬.૭૯ કરોડ રૂપિયા હતી. એટલે કે, પાંચ વર્ષમાં સાંસદોની સરેરાશ સંપત્તિ ૬.૮૬ કરોડ રૂપિયા વધી છે. એડીઆરએ ૧૭ મી લોકસભાની ચૂંટણીના ૮૦૪૯ માંથી ૭૯૨૮ ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આમાંથી ૨૯ ટકાની સંપત્તિ એક કરોડથી વધારે છે. ભાજપના ૭૯ ટકા, કોંગ્રેસના ૭૧ ટકા ઉમેદવારો કરોડપતિ છે. બસપાના ૧૭ અને સપાના ૮ ઉમેદવારો કરોડપતિ છે.

કલંકિત ઉમેદવારોની વાત કરીએ તો,આ લોકસભાની ચૂંટણીમાં ૧૫૦૦ એટલે કે ૧૯ ટકા ઉમેદવારો કલંકિત છે. વર્ષ ૨૦૧૪ માં, ૧૪૦૪ (૧૭ ટકા) ઉમેદવારો કલંકિત હતા. એડીઆરના અહેવાલ મુજબ, ૧૦૭૦ ઉમેદવારો પર બળાત્કાર, હત્યા, અપહરણ, સ્ત્રીઓના ગંભીર ગુનાઓ નોંધાયેલ હતા. વર્ષ ૨૦૧૪ માં, ૮૨૦૫ ઉમેદવારો માંથી ૯૦૮ ઉમેદવારો એટલે કે ૧૧ ટકા ઉમેદવારો પર આવા કેસ નોંધાયેલા હતા. આ વખતે ભાજપે ૧૭૫ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે. કૉંગ્રેસે ૧૬૪ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે બસપાએ ૮૫ ઉમેદવારોને ટિકિટ આપી છે.

Share: