
ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી કંપની સોની ભારતમાં તેના મોબાઇલ ફોન વ્યવસાયને બંધ કરશે. ટોક્યોમાં મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૧૯ ની કોર્પોરેટ વ્યૂહાત્મક મીટિંગમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમયે કંપની તેના સ્માર્ટફોન વ્યવસાય માટે જાપાન, યુરોપ, તાઇવાન અને હોંગકોંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સિવાય કંપનીએ ભારત સહિતના ઘણાં દેશોમાંથી તેના સ્માર્ટફોન વ્યવસાયને બંધ કરવાની વાત પણ કરી છે. કંપની તેના સ્માર્ટફોન બનાવતાં પ્લાન્ટને બેઇજિંગથી ખસેડીને તેને થાઇલેન્ડ લઇ જશે. જયારે કંપનીએ તેની કામગીરી ખર્ચમાં ૫૦ ટકા ઘટાડો કરવાની પણ જાહેરાત કરી છે.
કંપનીએ એક પ્રેઝન્ટેશન સ્લાઇડ દ્વારા જણાવ્યું હતું કે ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મેક્સિકો અને મધ્ય પૂર્વમાંથી સ્માર્ટફોન બિઝનેસને બંધ કરીને જાપાન, યુરોપ, તાઇવાન અને હોંગકોંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ મીટિંગમાં કંપનીએ તેની કાર્યકારી ખર્ચમાં ૨૦૧૭ ની સરખામણીએ ૫૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનું ઓપરેશન ખર્ચ ૫૭ ટકા રહેશે. તેનો મુખ્ય હેતુ સ્માર્ટફોન વ્યવસાયને લાંબા સમય સુધી લાભદાયક બનાવી રાખવાનો છે.
તાજેતરના એક અહેવાલ અનુસાર, સોની ૨૦૨૦ના નાણાકીય વર્ષ માટે મોબાઇલ વિભાગના કર્મચારીઓમાં પણ ૫૦ ટકાનો ઘટાડો કરશે. આ કારણે, ૨,૦૦૦ થી વધુ કર્મચારીઓને તેમની નોકરી ગુમાવવી પડી શકે છે અથવા કંપનીના નવા વ્યવસાય વિભાગમાં જવું પડી શકે છે. કંપનીના બેઇજિંગ પ્લાન્ટને બંધ કરવાના કારણે સ્માર્ટફોન વ્યવસાયને અસર થઈ છે. આ બંધ થવાના કારણે કંપની તેના વ્યવસાયને બેઇજિંગથી હટાવીને થાઇલેન્ડ લઇ જશે. કંપનીનો આ નિર્ણય પણ સ્માર્ટફોનના વ્યવસાયને નફાકારક બનાવવા માટે છે.