ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર હાઈ એલર્ટ, મંત્રીઓને જવાબદારી સોંપાઈ : સીએમ રૂપાણી

June 11, 2019
 620
ગુજરાતમાં  દરિયાકાંઠા વિસ્તારમાં તંત્ર  હાઈ એલર્ટ, મંત્રીઓને જવાબદારી સોંપાઈ  : સીએમ રૂપાણી

ગુજરાતમા વાવાઝોડા વાયુ ને પગલે રાજય સરકારે કચ્છ થી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી કાંઠા વિસ્તારના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠે ૧૩ જુનના રોજ વાવાઝોડું હીટ થવાની સંભાવનાના લીધે તમામ સરકારી ઓફીસના સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. તેમજ જે તે વિસ્તારના કલેકટરને પણ તાત્કાલીક ફરજ પર હાજર થવા આદેશ આપ્યો છે.

આ અંગે વધુ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જુનાગઢના જણાવ્યું હતું કે રાજયના દરિયાકાંઠે ત્રાટકનારા વાયુ નામના વાવાઝોડાના લીધે તમામ મંત્રીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. તેમજ આવતીકાલની કેબીનેટ બેઠકમા પણ સ્થિતિ અંગેનો તાગ મેળવવામાં આવશે, તેમજ મંત્રીઓ અલગ અલગ જીલ્લા મોકલવામાં આવશે.

કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાને હાઇએલર્ટ બનાવવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન ઉભું થયું છે તેમાંથી 12 તારીખે વાવાઝોડું બનશે. જે આગામી ૧૩ અને ૧૪ જૂનના રોજ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આજ સાંજ સુધી એનડીઆરએફની ૧૧ ટીમ પહોંચી જશે. જ્યારે વધારાની ૧૦ ટીમ બહારથી બોલાવવામાં આવી છે.

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળા વિસ્તારોમાં રાજ્ય સરકારની ચાંપતી નજર છે. તેમજ લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રાખવામાં આવી છે.

આ બેઠકમાં પંકજ કુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે.

આગામી ૧૨ તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

Share: