ગુજરાતમા ચક્રવાત વાયુની અસર શરુ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, દહેજ બંદરે બે નંબરનું સિગ્નલ અપ

June 12, 2019
 417
ગુજરાતમા ચક્રવાત વાયુની અસર શરુ, દક્ષિણ ગુજરાતમાં વરસાદ, દહેજ બંદરે બે નંબરનું  સિગ્નલ અપ

ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારે ચક્રવાત વાયુનો ભય તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના પગલે દક્ષિણ ગુજરાતના વ્યારા, ઉનાઈ, નવસારી, વલસાડ ,ડાંગ અને સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે આ વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર થવાની દહેશતના પગલે લોકોમા ભયનો માહોલ છે.

જેના લીધે ભરૂચના દરિયા કિનારે ૮૦ કીમીથી વધારેની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. દહેજ બંદર ખાતે મંગળવારે બપોરથી વાવાઝોડાની ચેતવણી આપતું બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થળાંતરની જરૂર પડશે તો ૩૦૦ બસ સ્ટેન્ડબાય અને ૬૦ આશ્રયસ્થાનો તૈયાર રખાયાં છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ, પાંડવા, શામગહાન, ચૌક્યા, લીંગા સહિતના ગામોમાં મંગળવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જ્યારે આહવા સહિત પૂર્વપટ્ટીના ગામોમાં સાંજે ૪ વાગ્યા બાદ વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ તૂટી પડ્યો હતો.

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાળા વિસ્તારોમાં રાજ્ય સરકારની ચાંપતી નજર છે. તેમજ લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રાખવામાં આવી છે.

આ બેઠકમાં પંકજ કુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે.

આગામી ૧૨ તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

Share: