ગુજરાતના ચક્રવાતી તોફાન મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક, રાજય સરકારના સંપર્કમાં : પીએમ મોદી

June 12, 2019
 678
ગુજરાતના ચક્રવાતી તોફાન મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક, રાજય સરકારના સંપર્કમાં : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આવી રહેલા ચક્રવાત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ બાબત પર ચાંપતી નજર રાખી રહી છે. પીએમ મોદીએ કહ્યું આ મામલે રાજય સરકારો સાથે સતત સંપર્કમાં છે. એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ કાર્યરત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અસર ગ્રસ્ત વિસ્તારોના લોકોની સુરક્ષા અને કલ્યાણની કામના કરું છું. સરકાર એજન્સી પાસેથી તમામ માહિતી મેળવી રહી છે. તેમજ લોકોએ પણ આ એજન્સીઓને સહયોગ આપવાની જરૂર છે.

ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું વાયુની અસરો થવાની શરૂ થઈ ચુકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું હાલ વેરાવળથી ૩૪૦ કિલોમીટર દુર છે. જેના પગલે દરિયાકાંઠે ૧૪૦ થી ૧૫૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડું અથડાય તેવી સ્થિતિ છે. જેના લીધે વહીવટીતંત્ર દ્વારા દરિયા કાંઠેથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે.

વાયુ વાવાઝોડાની અસર વધારે થવાના પગલે રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ૫૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ વધુ ટીમો પણ બોલાવવામાં આવી રહી છે. જેમાં કોસ્ટ ગાર્ડ, નેવી, આર્મી અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા, સોમનાથ, સાસણ, કચ્છના પ્રવાસે આવેલા લોકોને બુધવાર બપોર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.વાયુ વાવાઝોડાની અસર વધવાના પગેલ એનડીઆરએફની વધુ ૧૨ ટીમ બોલાવવામાં આવી છે. બિહારના પટનાથી ૬ અને તમિલનાડુના ચેન્નઈથી ૬ ટીમ બોલાવવામાં આવી છે.

Share: