પ્રિયંકા ગાંધીએ કર્યો યોગી સરકાર પર પ્રહાર, કહ્યું માસુમો પર અત્યાચાર પણ સરકાર મુકપ્રેક્ષક

June 20, 2019
 932
પ્રિયંકા ગાંધીએ  કર્યો યોગી સરકાર પર પ્રહાર, કહ્યું માસુમો પર અત્યાચાર પણ  સરકાર મુકપ્રેક્ષક

ઉત્તર પ્રદેશમા કથળતી કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં માસુમો પર અત્યાચાર થઈ રહ્યા છે. મહિલાઓમાં ભયનો માહોલ છે. લોકોને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે. પરંતુ સત્તા રાગ દરબારીમાં વ્યસ્ત છે તેને કશું દેખાતું નથી. યુપી સરકાર મહિલા અને બાળકીઓની જવાબદારી લેવાનું ક્યારે શરૂ કરશે.

પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વીટમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થઈ રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ૧૪ જુનના રોજ આગ્રામાં બાર કાઉન્સિલના અધ્યક્ષ દરવેશ યાદવની હત્યા, અલીગઢમાં મહિલાને જીવતી સળગાવવાની ઘટના અને અલીગઢમાં માસુમ બાળકીની હત્યા જેવા અપરાધિક કિસ્સાઓ માટે યુપી સરકારને આડે હાથે લીધી હતી.

તેમણે ટ્વીટમાં બદાયુંનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ૧૫ દિવસ સુધી પોલીસ સ્ટેશન જવા છતાં ગેંગરેપ પીડિતાની પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેના લીધે પીડિતાએ ફાંસી લગાવી દીધી હતી અને સુસાઈડ નોટ લખીને ન્યાયની માંગણી કરી હતી.

જો કે આ બધા કરતા પણ ગંભીર ઘટના યુપીના અલીગઢના ટપ્પલની છે. જેમા માત્ર ૧૦ હજાર રૂપિયાના માટે બે નરાધમોએ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હતી. જેનું શબ બે જુનના રોજ ક્ષત- વિક્ષત હાલતમાં ઘર નજીકની કચરા પેટીમાંથી મળી આવી હતી.

જેને લઈને પણ પ્રિયંકા ગાંધી યોગી સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અલીગઢની માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય અને જઘન્ય ઘટનાએ ઝંઝોળી દીધા છે. અમે આ કેવો સમાજ બનાવી રહ્યા છે. બાળકીના માતા પિતા પર શું વીતી રહ્યું હશે તે વિચારીને દિલ કાંપી ઉઠે છે. અપરાધીને કડકમાં કડક સજા મળવી જોઈએ.

Share: