કર્ણાટકમા અપક્ષ ધારાસભ્ય નાગેશનું યેદુરપ્પાના પીએ અને ભાજપે અપહરણ કર્યું : ડીકે શિવકુમાર

July 08, 2019
 953
કર્ણાટકમા અપક્ષ ધારાસભ્ય નાગેશનું યેદુરપ્પાના પીએ અને ભાજપે અપહરણ કર્યું : ડીકે શિવકુમાર

કર્ણાટકમા ૧૧ કોંગ્રેસ - જેડીએસ ધારાસભ્યોના રાજીનામા ગરમાયેલા રાજકારણમા અપક્ષ ધારાસભ્ય નાગેશને ગાયબ થવાને લઈને વિવાદ ઉભો થયો છે. જેમાં કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અપક્ષ ઉમેદવાર નાગેશ જેમણે થોડા સમય પૂર્વે મંત્રીપદથી રાજીનામું આપ્યું તેમણે મને ફોન કરીને જણાવ્યું છે કે યેદુરપ્પાના પીએ અને ભાજપે મારું અપહરણ કરી લીધું છે. તેમજ તે જયારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ફલાઈટ નીકળી ચુકી હતી.

આ દરમ્યાન આજે કર્ણાટકમાં કુમાર સ્વામી સરકારમાંથી કોંગ્રેસ અને જેડીએસના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. આ બાબતની જાણકારી કોંગ્રેસના સીનીયર નેતા સિદ્ધારમૈયાએ આપી છે.

જયારે કર્ણાટકમા ઉભા થયેલા સંકટ વચ્ચે રાજયના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જલ્દી જ આ તમામ મુદ્દાઓ ઉકેલી દેવામા આવશે. અમારી સરકાર બરાબર ચાલી રહી છે. આ દરમ્યાન કર્ણાટકમા ઘેરાયેલા રાજકીય સંકટમાંથી રસ્તો નીકાળવા માટે આજે દિલ્હીમાં કોંગ્રેસના સીનીયર નેતાઓની બેઠક મળવાની છે. જેમાં કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની સરકારને ફરી એકવાર સત્તામાં લાવવા માટેની રણનીતિ પર વિચાર કરવામા આવશે. તેમજ આ રાજકીય સંકટમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

કોંગ્રેસના સીનીયર નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ કર્ણાટકના વર્તમાન રાજકીય સંકટ માટે ભાજપને સીધી રીતે જવાબદાર ગણાવ્યો છે. તેમણે કેન્દ્ર અને રાજયના ભાજપના નેતાઓ અંગે કહ્યું કે તે ચુંટાયેલી સરકારને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. તેમજ તેમણે રાજીનામું આપેલા ધારાસભ્યોને ફરી એકવાર તેમના નિર્ણય પર વિચાર કરવા અપીલ કરી છે.

આ અંગે જણાવતા કોંગ્રેસના સીનીયર નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ જણાવ્યું હતું કે અમે આ અસંતુષ્ટ ધારાસભ્યોને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની ફરિયાદ પર ધ્યાન આપીશું. તેમણે કહ્યું આ રાજીનામાં પાછળ કેન્દ્રની ભાજપ સરકાર અને રાજયના ભાજપ નેતાઓ છે. તેમજ એ બાબત જગજાહેર છે કે આ ધારાસભ્યોને વિશેષ વિમાનની મદદથી કર્ણાટકથી મુંબઈ લાવવામા આવ્યા છે.તેની સમગ્ર વ્યવસ્થા ભાજપ નેતાઓએ કરી છે.

તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે દેશના અન્ય રાજયમાં રહેલી ગેરભાજપી સરકારને ભાજપ સરકાર અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અત્યાર સુધી ભાજપ નેતાઓએ ૧૪ રાજ્યોમાં ગેરભાજપી સરકારને પાડવામાં સફળતા મેળવી છે.ખડગે એ દેશના લોકતંત્ર પર ખતરો ઉભો થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમજ ભાજપના નેતા જે કામ કરી રહ્યા છે તે યોગ્ય નથી. તેમજ ભાજપને એ બાબત ગમતી નથી કે બીજા રાજયોમા સ્થાનિક કે અન્ય પક્ષની સરકાર સત્તામાં રહે.

તેમણે કર્ણાટકના વર્તમાન રાજકીય સંકટ અંગે જણાવ્યું કે ૧૨ તારીખના રોજ વિધાનસભાનું સત્ર મળવાનું છે અને જોવાનું એ છે કે કેટલા અસંતુષ્ટ ધારાસભ્ય વ્હીપનો અનાદર કરે છે. તેમજ ખડગેએ કહ્યું અમે રાજીનામાં આપી ચુકેલા ધારાસભ્યોને તેમના નિર્ણય પર પુનઃ વિચાર કરવા અપીલ કરી છે. આ રાજીનામા હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે મંજુર કર્યા નથી.

Share: