વરસાદના કારણે મેચ હવે રિઝર્વ ડેમાં રમાશે, ન્યુઝીલેન્ડનો સ્કોર - ૨૧૧/૫

July 10, 2019
 380
વરસાદના કારણે મેચ હવે રિઝર્વ ડેમાં રમાશે, ન્યુઝીલેન્ડનો સ્કોર - ૨૧૧/૫

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ ૨૦૧૯ ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનો સ્કોર જયારે ૪૬.૧ ઓવરમાં હતો, ત્યારે વરસાદનું આગમન થયું અને મેચ આગળ શરૂ થઈ શકી નહીં. હવે મેચ રિઝર્વ ડે એટલે આજે રમાશે. ન્યુઝીલેન્ડની તરફથી રોસ ટેલર ૬૭ અને ટોમ લાથમ ૩ રન બનાવી અણનમ છે. કેપ્ટન કેન વિલિયમ્સને ૬૭ રનની ધીમી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો વરસાદના કારણે મેચ આજે પણ સંપૂર્ણ રમાઈ નહી તો પોઈન્ટ ટેબલના આધારે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી જશે.

કેન વિલિયમ્સને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમ સાઉદીની જગ્યા ટીમમાં લોકી ફર્ગ્યુસનની વાપસી થઈ છે. ભારતીય ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યુજ્વેન્દ્ર ચહલને સામેલ કરવામાં આવ્યા છે. તેમ છતાં ન્યુઝીલેન્ડ ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવરમાં ૧ ના સ્કોર પર માર્ટિન ગુપ્તીલ (૧) આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ કેન વિલિયમ્સને હેનરી નિકોલ્સ (૨૮) ની સાથે બીજી વિકેટ માટે ૬૮ રન જોડ્યા, પરંતુ ૧૯ મી ઓવરમાં નિકોલ્સ આઉટ થઈ ગયા અને ન્યુઝીલેન્ડને બીજો ઝટકો લાગ્યો હતો.

ત્રીજી વિકેટ માટે કેન વિલિયમ્સને રોસ ટેલર સાથે ૬૫ રન જોડ્યા, પરંતુ આ ભાગીદારી ઘણી ધીમી રહી હતી. કેન વિલિયમ્સને વર્તમાન વર્લ્ડ કપમાં પોતાના ૫૦૦ રન પુરા કર્યા, પરંતુ ૩૬ મી ઓવરમાં ૧૩૪ ના સ્કોર પર તેમના આઉટ થવાથી ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો હતો. કેન વિલિયમ્સને ૯૫ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રોસ ટેલરે જેમ્સ નીશમની સાથે મળી ટીમના સ્કોરને ૪૦ ઓવરમાં ૧૫૫/૩ સુધી પહોંચાડી દીધું હતું, પરંતુ ૪૧ મી ઓવરમાં ૧૬૨ ના સ્કોર પર નીશમ (૧૨) પણ આઉટ થઈ ગયા હતા.

રોસ ટેલરે એક તરફથી ઇનિંગ સંભાળી હતી અને તેમને ૭૩ બોલમાં પોતાની ૫૦ મી અડધી સદી પૂરી કરી હતી. તેમને કોલીન ડી ગ્રાંડહોમ (૧૬) ની સાથે ટીમને ૨૦૦ ના સ્કોર સુધી પહોંચાડ્યું, પરંતુ ૪૫ મી ઓવરમાં ૨૦૦ ના સ્કોર પર ગ્રાંડહોમ આઉટ થઈ ગયા હતા. ૪૬.૧ ઓવરમાં ૨૧૧/૫ ના સ્કોર પર મેચ વરસાદના કારણે રોકાઈ અને હવે આજે મેચ અહીં રમાશે. ભારત તરફથી અત્યાર સુધી જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુજ્વેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી છે.

Share: