ગુજરાતમાં ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની સાથે, ગાંધીનગરમાં રાહેજા ગ્રુપને ગૌચરની જમીન ફાળવી : પરેશ ધાનાણી

July 11, 2019
 397
ગુજરાતમાં ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની સાથે, ગાંધીનગરમાં રાહેજા ગ્રુપને ગૌચરની જમીન ફાળવી  : પરેશ ધાનાણી


ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્‍યાન પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં ગાય, ગૌચર બચાવવાના રૂપાળા સુત્રો પોકારનારી ભાજપની સરકારે રાહેજા ગ્રુપને ગાંધીનગરના કોબા ખાતે ગૌચરની કુલ 3,76,581 ચો.મી. જમીન પ્રતિ ચો.મી. રૂ. 470/-ના પાણીના ભાવે પધરાવી દીધી છે. ગૌચરની જમીન વેચી શકાય નહીં તેવો નામદાર સુપ્રિમ કોર્ટનો ચુકાદો હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારે કંપનીને આઈ.ટી. પાર્કનો કોઈ જ અનુભવ ન હોવા છતાં રાહેજા ગ્રુપને લાખો ચો.મી. જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે.
ભારત સરકારની એજન્‍સીઓને ઉંચા ભાવે જમીન આપનારી ભાજપ સરકારે આજે વિધાનસભામાં સ્‍વીકાર્યું હતું કે, ગાંધીનગરના કોબા ખાતે સ.નં. 270ની ગૌચરની જમીન મે. એક્‍વાલાઈન પ્રોપર્ટીઝ પ્રા. લિ. (રાહેજા ગ્રુપ)ને આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. સેઝ પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી છે. રાહેજા ગ્રુપને આઈ.ટી./આઈ.ટી.ઈ.એસ. સેઝ પાર્ક બનાવવા માટે અપાયેલ જમીનમાં આ કંપની દ્વારા હેતુફેર કરી કોમર્શીયલ/રહેણાંકના મકાનો બનાવીને ખુલ્લેઆમ શરતભંગ કરેલ હોવા છતાં રાજ્‍ય સરકાર તેની સામે પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી છે.આ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવતાં જણાવ્‍યું હતું કે, રૂ. 1000 કરોડની અંદાજીત કિંમતની કિંમતી જમીન સરકાર દ્વારા ફક્‍ત રૂ. 17.70 કરોડમાં આઈ.ટી./ આઈ.ટી.ઈ.એસ. સેઝ પાર્ક બનાવવાના હેતુસર આપી હતી. આ હેતુ સિવાય કોમર્શીયલ કે રહેણાંક હેતુ માટે ત્‍યાં બાંધકામ થયેલ હોય તો આવું બાંધકામ દૂર કરી અને શરતભંગ મુજબ આ જમીન સરકાર પાછી લેવા માંગે છે કે કેમ ? તેના ઉત્તરમાં સિનિયર મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ હેતુફેર કે શરતભંગ થયો ન હોવાનું જણાવીને ગૃહને ગેરમાર્ગે દોરતા ખોટી માહિતી આપી હતી.

Share: