અમિત જેઠવા કેસમા ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત ૭ ને આજીવન કેદની સજા

July 11, 2019
 445
અમિત જેઠવા કેસમા  ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી સહિત ૭ ને આજીવન કેદની સજા

ગુજરાતના આરટીઆઈ એક્ટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં સાત દોષિત આરોપીઓને આજે સીબીઆઈ અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અદાલતે આજીવન કેદ અને ૧૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તેમજ મૃતક અમિત જેઠવાના પરિવારને ૧૧ લાખ રૂપિયાની સહાય ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.ગુજરાતમા વર્ષ ૨૦૧૦મા હાઈકોર્ટ સમક્ષ આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈ કોર્ટે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી સહિત ૭ લોકોને ૬ જૂલાઈના રોજ દોષિત જાહેર કર્યા હતા.જેની બાદ આજે સજાની સુનવણી કરવામાં આવી હતી.આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હાઈકોર્ટ સામે મોડી સાંજે પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારીને હત્યા કરી નાંખવામા આવી હતી. આ કેસમાં અદાલતે પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી, શૈલેશ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિહ વાઢેર અને સંજય ચૌહાણને દોષિત જાહેર કર્યા હતા. અમિત જેઠવાના કેસમા કુલ ૧૯૨ માંથી ૧૫૫ સાક્ષીઓ ફરી ગયા હતા. સીબીઆઈએ આ કેસમા તપાસ દરમ્યાન પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકી સહિત સાત લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.જો કે કેસની સુનવણી દરમ્યાન મોટાભાગના સાક્ષીઓ ફરી જતા અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ કોર્ટ ફરી અરજી કરી ૨૭ સાક્ષીઓને રિકોલ કર્યા હતા. આ કેસમા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીની વર્ષ ૨૦૧૩માં ધરપકડ કરવામાં આવી હતી.આ સમગ્ર કેસમાં આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવાએ ગીર ચાલી રહેલા ગેરકાયદે ખોદકામ અંગે અરજી કરી હતી. તેમજ અનેક વિગતો બહાર લાવી શકે તેમ હતો.જેમાં ભાજપના સાંસદની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેના પગલે તેની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં પુરવાર થયું હતું.

Share: