ગુજરાતમા ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ : અમિત ચાવડા

July 18, 2019
 538
ગુજરાતમા ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ  : અમિત ચાવડા

ગુજરાત વિધાનસભામા આજે ચર્ચા દરમ્યાન ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર યુવાનોને છેતર્યા હોવાનો આક્ષેપ મુક્યો હતો. અમિત ચાવડાએ કહ્યું હતું કે રાજયની ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામા નિષ્ફળ નીવડી છે .

ધારાસભ્ય અમીત ચાવડાએ જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૧૯માં રાજ્‍ય સરકારના કર્મચારીઓની સંખ્‍યા ૫,૪૫,૭૬૭ જેટલી છે, તેમાંથી ૪૪,૩૮૩ કર્મચારીઓ ફીક્‍સ પગારથી, આઉટ સોર્સીંગથી અને કરાર આધારિત છે એટલે સરકારના ફુલ પગારના કર્મચારીની સંખ્‍યા ૫,૦૧,૩૮૪ છે. ૧૯૯૬માં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે રાજ્‍યમાં કર્મચારીઓની સંખ્‍યા ૫,૧૧,૦૦૦ની હતી અને ત્‍યારે ગુજરાતની વસ્‍તી અંદાજે ૩ કરોડ જેટલી હતી. આજે વસ્‍તી ૬ કરોડ થઈ છે ત્‍યારે કર્મચારી ૧૦ લાખ થવા જોઈએ તેના બદલે ફક્‍ત ૫,૦૧,૩૮૪ કર્મચારી જ છે. ગુજરાતની ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ નીવડી છે. સરકાર પાસે ભરતી કરવાના આંકડા છે પણ નિવૃત્તિના આંકડા છુપાવીને ભાજપ સરકાર પોતાની નિષ્‍ફળતાને ઢાંકવા ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે.

રાજ્‍ય સરકાર આઉટસોર્સીંગની મોટાભાગની જગ્‍યાઓ ઉપર કર્મચારીઓ/અધિકારીઓ નીમે છે, જેનાથી અનામત પ્રથા, અનામતની જોગવાઈઓનો સરેઆમ ભંગ થાય છે અને તેનો ભોગ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગના યુવાનોને બનવું પડે છે. રાજ્‍યમાં ચૂંટાયેલ પ્રતિનિધિ ધારાસભ્‍યઓનું માન-સમ્‍માન જળવાય, એમણે જે રજૂઆતો કરી હોય એનો સત્‍વરે જવાબ મળે અને એનો યોગ્‍ય નિકાલ થાય એની જવાબદારી રાજ્‍ય સરકારની છે. અધિકારીઓનું ધારાસભ્‍યઓ સાથેનું વર્તન કેવું હોવું જોઈએ, એમના પત્રના જવાબ ક્‍યારે મળવા જોઈએ, એમના પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ, એને અગ્રતા આપવા માટે અનેક પરિપત્રો કરવામાં આવ્‍યા છે .

પરંતુ સામાન્‍ય વહીવટ વિભાગ અને કેન્‍દ્ર સરકારના પરિપત્રોને પણ આ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ જણાય છે. ધારાસભ્‍યોના પોતાના વિસ્‍તારમાં કોઈ સરકારી કાર્યક્રમ હોય તેમાં ધારાસભ્‍યોનો પ્રોટોકોલ જળવાતો નથી અને સરકારનો વહીવટીતંત્ર ઉપર કોઈ જાતનો અંકુશ ના હોય એવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા ધારાસભ્‍યનું માન-સન્‍માન જળવાય અને સામાન્‍ય વહીવટ વિભાગના પરિપત્રોનું પાલન થાય અને જ્‍યાં પાલન ન થતું હોય તેવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી ચાવડાએ સરકાર સમક્ષ કરી હતી.

Share: