
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે એવું ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેમાં એક સાથે ૫૦ લોકોને વિડીયો કોલ બ્રોડકાસ્ટ કરી શકાશે. તેની ખાસિયત એ છે કે, તેમાં તે લોકોને પણ સામેલ કરવામાં આવી શકશે જેનું ફેસબુક એકાઉન્ટ નથી. ૫૦ લોકોની વચ્ચે વિડીયો કોલને કોઈ પણ પ્રોફાઈલ પેજ અથવા ગ્રુપ દ્વ્રારા બ્રોડકાસ્ટ કરી શકાશે.
કોરોના વાયરસ મહામારી દરમિયાન વિડીયો કોન્ફ્રેસિંગ સર્વિસની માંગમાં ખૂબ જ વધારો થયો અને ફેસબુકે પણ તેનો ફાયદો ઉઠાવવા માટે આ ફીચરને લોન્ચ કરી રહ્યું છે. કોરોના લોકડાઉનના કારણે ઘરેથી કામ કરવામાં વધારો થયો અને આ કારણે વિડીયો કોન્ફ્રેસિંગની માંગ વધી છે. આ નવા ફીચરના કારણે ફેસબુક હવે વિડીયો કોન્ફ્રેસિંગ પ્લેટફોર્મ ઝૂમ અને ગૂગલ મીટને પડકાર આપશે.
ફેસબુકે કહ્યું છે કે, તે પોતાના પ્લેટફોર્મ્સ અને મેસેન્જર વેબ પર કેટલાક દેશોમાં આ ફીચર રોલઆઉટ કરી રહી છે. જલ્દી જ તેને અન્ય તમામ દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ ફિચર કંપનીના ફેસબુક લાઈવ સ્ટ્રીમીંગ પ્રોડક્ટ અને મેસેન્જર રૂમ્સ વિડીયો કોલિંગ પ્રોડક્ટને જોડે છે. જૂન મહિનામાં ફેસબુક પેજથી લાઈવ બ્રોડકાસ્ટની સંખ્યા ડબલ થઈ ગઈ છે. આ વર્ષે કોરોના લોકડાઉનના કારણે માર્ચથી લઈને અત્યાર સુધી સતત વધારો થઈ રહ્યો છે.
મેસેન્જર રૂમ કોલ્સને લાઈવ પ્રસારિત કરવાની ક્ષમતા ઝૂમ માટે જોખમ ઉભું કરી શકે છે, જે ચુકવણી કરનારા વપરાશકર્તાઓને ફેસબુક, ગુગલના યુટ્યુબ અને એમેઝોનના ટ્વીચ જેવી સેવાઓ પર લાવી સ્ટ્રીમ વિડીયો કોલ્સની મંજુરી આપે છે.