કિયા સુપર લીગમાં દીપ્તિ શર્માનું જોવા મળ્યું ઓલરાઉન્ડર પ્રદર્શન

August 23, 2019
 240
કિયા સુપર લીગમાં દીપ્તિ શર્માનું જોવા મળ્યું ઓલરાઉન્ડર પ્રદર્શન

ઇંગ્લેન્ડની કિયા સુપર લીગમાં આ વર્ષે ચાર ભારતીય મહિલા ખેલાડી ભાગ લઇ રહી છે. સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને જેમિમા રોડરિગ્સ બાદ આ વર્ષે દીપ્તિ શર્મા પણ તેના ભાગ છે. દીપ્તિ શર્મા સ્મૃતિ મંધાનાની સાથે વેસ્ટર્ન સ્ટોર્મ તરફથી રમી રહી છે. ગુરુવારે રમાયેલ મેચમાં દીપ્તિ શર્માએ પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી પોતાની ટીમ વેસ્ટર્ન સ્ટોર્મને સર્રે સામે જીત અપાવી હતી.

વેસ્ટર્ન સ્ટોર્મની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના આ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ રેચલ પીસ્ટે ૧૬ બોલમાં ૪૪ રનની ઇનિંગ રમી ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જ્યારે દીપ્તિ શર્મા બેટિંગ કરવા આવી ત્યારે ટીમનો સ્કોર ૪ વિકેટે ૮૮ રન હતો. દીપ્તિ શર્માએ ૨૬ બોલમાં ૩૨ રન બનાવ્યા અને સોફી લફ સાથે પાંચમી વિકેટ માટે ૬૫ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં બંનેએ ત્રણ-ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ભાગીદારીને સર્રેની કેપ્ટન નેતાલી સ્કાઈવરે ૧૯ મી ઓવરમાં તોડી દીધી હતી. નેતાલી સ્કાઈવરે ૩૭ રન આપી ત્રણ વિકેટ પ્રાપ્ત કરી હતી. વેસ્ટર્ન સ્ટોર્મે ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી ૧૫૯ રન બનાવ્યા હતા.

સર્રેની શરૂઆત ખરાબ રહી અને બંને ઓપનર શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. તેમ છતાં ત્યાર બાદ દીપ્તિ શર્માએ બોલિંગમાં કમાલ કરતા ૧૮ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. તેમ છતાં સર્રે તરફથી સારા ટેલરે ૫૪ બોલમાં ૭૩ રન બનાવી ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહી હતી. તેમને તેમની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ભારતીય ખેલાડી આ લીગમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. દીપ્તિ શર્મા પહેલા યુવા ખેલાડી જેમિમા રોડ્રીગેજે પણ પોતાની ટીમ યોર્કશાયર ડાયમંડ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને અત્યાર સુધી રમેલી ૬ મેચની ૬ ઇનિંગમાં ૧૨૧ ની સ્ટ્રાઈક રેટથી ૧૫૪ રન બનાવ્યા છે. તે યોર્કશાયર તરફથી આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં બીજા સ્થાન પર છે. તેના સિવાય આ સીઝનમાં સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા પણ રમી રહી છે. ભારતીય ખેલાડીઓએ આ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Share: