૧૫મી ઓગસ્ટ સુધીમાં ભાજપનું પ્રદેશ માળખું રચાઈ જશે.

August 05, 2020
 387
૧૫મી ઓગસ્ટ સુધીમાં ભાજપનું પ્રદેશ માળખું રચાઈ જશે.

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે પ્રદેશ સંગઠન માળખાને નવો ઓપ આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે, આગામી ૧૫મી ઓગસ્ટ સુધીમાં ભાજપ પ્રદેશ માળખાની જાહેરાત થઈ શકે છે. જીતુ વાઘાણીની વિદાય બાદ પ્રદેશ પ્રમુખપદનું સુકાન સંભાળ્યા પછી સી.આર.પાટીલે નવી ટીમની રચના કરવા કવાયત હાથ ધરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સી.આર.પાટીલે મહિલા મોરચા, અનુસુચિત જન જાતિ મોરચા સહિત અન્ય મોરચાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે ગઈકાલે યુવા મોરચાના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી.

ભાજપના પ્રદેશ માળખામાં ઘણા મોટા ફેરફારો થઇ શકે છે. કેટલાય મોરચાના નેતાઓએ ખુરશી છોડવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે, સી.આર.પાટીલે અગાઉના વર્ષની કામગીરીને આધારે પદાધિકારીઓની નિમણૂક કરવા નક્કી કર્યું છે અને એટલે જ સંગઠનમાં ફેરફાર થવાની સંભાવના છે. સી.આર.પાટીલ હવે એકાદ બે દિવસમાં જ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરે તેવું પણ જાણવા મળ્યું છે અને આ પ્રવાસ પછી પ્રદેશ સંગઠનના માળખાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Share: