દેશમા ઓટો સેક્ટરમા મંદીનો માર,  અશોક લેલેન્ડ બાદ મહિન્દ્રાનો પ્લાન્ટ ૧૭ દિવસ બંધ રહેશે 

September 17, 2019
 903
દેશમા ઓટો સેક્ટરમા મંદીનો  માર,  અશોક લેલેન્ડ બાદ મહિન્દ્રાનો પ્લાન્ટ ૧૭ દિવસ બંધ રહેશે 

દેશની સૌથી મોટી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ૧૭ દિવસ સુધી પ્રોડક્શન અટકાવવાનો નિર્ણય લીધો છે. કંપની આ નિર્ણય એ સમયે લીધો છે જયારે સમગ્ર દેશના ઓટો સેકટર મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દેશની બીજી મોટો ઓટો કંપની છે જેનો પ્લાન્ટ પ્રોડ્કશનના ઘટાડાને પગલે બંધ કરવામા આવી રહ્યો છે. આ પૂર્વે મારુતિ સુઝુકીએ ૭ અને ૯ સપ્ટેમ્બરના રોજ ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ બે દિવસ બંધ રાખ્યો હતો. જયારે હિંદુજા ગ્રુપની કંપની અશોક લેલેન્ડે પણ ૧૬ દિવસ સુધી પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ જાણકારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ શેરબજારને આપી હતી. મહિન્દ્રાએ જણાવ્યું હતું કે આ ત્રિમાસિક ગાળામાં ત્રણ દિવસ સુધી વધારાનું પ્રોડક્શન કરવામા નહીં આવે. વાસ્તવમા ૯ ઓગસ્ટના રોજ કંપનીએ પ્લાન્ટ ૧૪ દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. તેની બાદ કંપની વધુ ત્રણ દિવસ પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી.આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું કે આ મહિના અંત સુધી ખેતીના વાહનો બનાવતો પ્લાન્ટ એકથી ત્રણ દિવસ સુધી બંધ રાખવામા આવશે. તેમજ કંપનીએ કહ્યું કે હાલ બજારમાં વાહનોની સંખ્યા પૂરતી છે. તેમજ કંપનીને લાગતું નથી તેની અસર વાહનોની ઉપલબ્ધતા પર પડશે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમા મહિન્દ્રાના વેચાણમા ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીનું વેચાણ ઘટીને ૩૬,૦૮૫ વાહન જ રહ્યું હતું. ગત વર્ષે ઓગસ્ટમા મહિન્દ્રાના ૪૮,૩૨૪ વાહન જ વેચાયા હતા. જયારે દેશના વાહનોનું વેચાણ ૨૧ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યું હતું. વાહન ઉત્પાદક સંગઠન સિયામ અનુસાર વર્ષ ૧૯૯૭-૯૮ બાદ ઓગસ્ટ માસમા વાહનોના વેચાણમા જબર જસ્ત ઘટાડો થયો છે.

Share: