
રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સને મોટી ભેટ આપતા હવાઈ મુસાફરી દરમિયાન કોલિંગ કરવાની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ સર્વિસને તમારા સુધી પહોંચાડવા માટે જિયોએ એરોમોબાઈલથી ભાગીદારી કરી છે. તમને જણાવી દઈએ કે, એરોમોબાઈલ પેનાસોનિક એવિઓનીક્સ કોર્પોરેશનની પેટાકંપની છે. હવે જીયો યુઝર્સ હવાઈ મુસાફરીમાં પણ કંપનીની તમામ સેવાઓનો આનંદ માણી શકશે.
જિયોની સેવા વર્જિન એટલાન્ટિક, એતીહાદ એરવેઝ, યુરો વિંગ્સ, લુંફ્તાંસા, માલિન્ડો એર, સ્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન્સ, અમીરાત એરલાઇન્સ, વિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ અને અલીટાલિયાની ફ્લાઇટ દરમિયાન ઉપલબ્ધ રહેશે. આ સાથે જિયો હવાઈ મુસાફરીમાં સેવા આપનારી દેશની પ્રથમ ટેલીકોમ કંપની બની ગઈ છે.
કંપનીએ લોન્ચ કર્યા ત્રણ આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક્સ
આ સર્વિસને શરુ કરવા સાથે જિયોએ ત્રણ નવા આંતરરાષ્ટ્રીય રોમિંગ પ્લાન્સ પણ લોન્ચ કર્યા છે. તેની કિંમત ૪૯૯ રૂપિયા, ૬૯૯ રૂપિયા અને ૯૯૯ રૂપિયા છે. આ ત્રણે પ્લાન્સની વેલીડીટી ૧ દિવસની છે.
સુવિધાઓની વાત કરીએ તો આ ત્રણે પ્લાન્સમાં તમને ૧૦૦ મિનીટ કોલિંગ અને ૧૦૦ એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે, જ્યારે ડેટાની વાત કરીએ તો ૪૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૨૫૦ એમબી, ૬૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૫૦૦ એમબી અને ૯૯૯ રૂપિયા વાળા પ્લાનમાં ૧ જીબી ડેટા મળશે. આ ત્રણે પ્લાન્સમાં ઇનકમિંગની સુવિધા મળશે નહી.