કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૦ રનથી હરાવ્યું

October 08, 2020
 186
કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૦ રનથી હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે અબુ ધાબીમાં શાનદાર વાપસી કરતા ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૦ રનથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૧૬૭ રનનો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૫૭/૫ નો સ્કોર જ બનાવી શકી હતી. રાહુલ ત્રિપાઠીને ૮૧ રનની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

કેકેઆરના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેકેઆરની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે પીયુષ ચાવલાની જગ્યાએ કરણ શર્માને સામેલ કરવામાં આવ્યા હતા.

કેકેઆરે સુનીલ નારાયણની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ઓપનીંગ માટે મોકલ્યા હતા અને તેનો ફાયદો ઉઠાવતા તેમને એક શાનદાર ઇનિંગ રમી હતી. કેકેઆરને પ્રથમ ઝટકો પાંચમી ઓવરમાં ૩૭ ના સ્કોર પર શુભમન ગીલ (૧૧) ના રૂપમાં લાગ્યો હતો. નવમી ઓવરમાં ૭૦ ના સ્કોર પર નીતીશ રાણા (૯) અને ૧૧ મી ઓવરમાં ૯૮ ના સ્કોર પર સુનીલ નારાયણ (૧૭) આઉટ થઈ ગયા હતા.

તેમ છતાં રાહુલ ત્રિપાઠીએ એક તરફથી ઇનિંગ સંભાળી રાખી અને ૩૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કેકેઆરે ૧૨ મી ઓવરમાં ૧૦૦ નો આંકડો પાર કર્યો, પરંતુ ૧૪ મી ઓવરમાં ૧૧૪ ના સ્કોર પર ઇયોન મોર્ગન (૭) અને ૧૬ મી ઓવરમાં ૧૨૮ ના સ્કોર પર આન્દ્રે રસેલ (૨) ના આઉટ થવાથી ચેન્નાઈએ મેચમાં શાનદાર વાપસી કરી હતી.

રાહુલ ત્રિપાઠીએ ૫૧ બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૮૧ રન બનાવ્યા, પરંતુ ૧૭ મી ઓવરમાં ૧૪૦ ના સ્કોર પર તેમાં આઉટ થવાથી કેકેઆરને મોટો ઝટકો લાગ્યો હતો. ૧૯ મી ઓવરમાં ૧૬૨ ના સ્કોર પર દિનેશ કાર્તિક (૧૧) આઉટ થયા હતા. છેલ્લી ઓવરમાં કમલેશ નાગરકોટી અને શિવમ માવી શૂન્ય પર આઉટ થયા, જ્યારે વરુણ ચક્રવર્તી ૧ રન બનાવી રન આઉટ થઈ ગયા હતા. પેટ કમિન્સે ૯ બોલમાં અણનમ ૧૭ રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન બ્રાવોએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી અને તેના સિવાય સૈમ કરન, શાર્દુલ ઠાકુર અને કરણ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

ટાર્ગેટના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથી ઓવરમાં ૩૦ ના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ફાફ ડુ પ્લેસીસ ૧૭ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ શેન વોટ્સને અંબાતી રાયડુ (૨૭ બોલમાં ૩૦) ની સાથે બીજી વિકેટ માટે ૬૯ રન જોડ્યા અને ટીમને જીત તરફ લઇ ગયા હતા. વોટ્સને ૪૦ બોલમાં ૫૦ રનની ઇનિંગ રમી, તેમ છતાં ૧૩ મી ઓવરમાં ૯૯ ના સ્કોર પર રાયડુ અને ૧૪ મી ઓવરમાં ૧૦૧ ના સ્કોર પર વોટ્સનના આઉટ થવાથી ચેન્નાઈને બે મોટા ઝટકા લાગ્યા અને અહીંથી મેચની દિશા બદલાઈ ગઈ હતી.

અંતિમ ૫ ઓવરમાં ચેન્નાઈ સુપરકિંગ્સને જીત માટે ૫૮ રનની જરૂરત હતી. ૧૭ મી ઓવરમાં વરુણ ચક્રવર્તીની બોલ પર ૧૨૯ ના સ્કોર પર મહેન્દ્ર સિંહ ધોની ૧૨ બોલમાં ૧૧ રન બનાવી આઉટ થઈ ગયા અને ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ૧૮ મી ઓવરમાં ૧૨૯ ના સ્કોર પર સૈમ કરન ૧૧ બોલમાં ૧૭ રન બનાવી આઉટ થઈ ગયા હતા. રવીન્દ્ર જાડેજાએ આઠ બોલમાં ૨૧ અને કેદાર જાધવે ૧૨ બોલમાં ૭ રન બનાવ્યા, પરંતુ ટીમને જીત સુધી લઇ જ શક્યા નહોતા. કેકેઆર તરફથી શિવમ માવી, કમલેશ નાગરકોટી, સુનીલ નારાયણ, વરુણ ચક્રવતી અને આન્દ્રે રસેલે એક-એક વિકેટ લીધી હતી.

Share: