ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરમા ૨૧ જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ

January 18, 2020
 1240
ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરમા ૨૧ જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ


ગુજરાતના મહેસાણા જીલ્લાના મોઢેરા સૂર્યમંદિરમા ૨૧ જાન્યુઆરીથી ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રમત-ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સહિત જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે મોઢેરા સૂર્યમંદિર ખાતે ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ સાંજે ૦૬-૦૦ કલાકથી ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે.ગુજરાતની ભવ્ય સભ્યતા અને સંસ્કૃતિની ધરોહર મોઢેરાના સૂ્ર્યમંદિરના સાનિધ્યમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય ગુરૂ-શિષ્ય પરંપરાના મહોત્સવ- ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર દર વર્ષે કરવામાં આવે છે.૨૧ જાન્યુઆરીને મંગળવારે સાંજે ૦૬-૦૦ કલાકે સૂ્ર્યમંદિર મોઢેરા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ દિવસે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ,મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેનાર છે. પ્રથમ દિવસે ગણેશ વંદના શ્રી ભરત બારીયા,શ્રી અક્ષય પટેલ અને કુમારી શીતલ બારોટ દ્વારા કરવામાં આવનાર છે. તેમજ સુશ્રી સુધાજી ચંદ્રન દ્વારા ભરતનાટ્યમ,સુશ્રી ગ્રેસીસીંઘ દ્વારા ઓડીસી,સુશ્રી વિનીતા શ્રીનંદન દ્વારા મોહીનીઅટ્ટમ,કે.વી સત્યનારાયણ દ્વારા કુચીપુડી બેલે અને સુશ્રી મોહંતી દ્વારા ઓડીસી નૃત્ય રજુ થનાર છે.૨૨ જાન્યુઆરીએ બુધવારે સાંજે ૦૬-૦૦ કલાકે ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપસ્થિત રહેનાર છે.આ દિવસે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ,મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેનાર છે. સમાપન સમારંભના દિવસે ગણેશ વંદના શિતલ મકવાણા દ્વારા થનાર છે. આ દિવસે પૂર્ણિમા અશોક દ્વારા ભરતનાટ્યમ, વૈશાલી ત્રિવેદી દ્વારા કથ્થક, જયાપ્રભા મેનોન દ્વારા મોહિની અટ્ટમ, સપના શાહ દ્વારા ભરત નાટ્યમ,સુશ્રી અલોકા કાનુંગો દ્વારા ઓડીસી અને દેવેન્દ્ર મંગલમુખી દ્વારા કથ્થક લખનઉ ઘરાના રજુ થનાર છે.શાસ્ત્રીય નૃત્યોની ગુરૂ-શિષ્ય પરંપરાના મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ સી.વી.સોમ અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

Share: