ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમા ભાજપ સરકાર કરશે ૧૦૦ કરોડનો ધુમાડો, મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

February 23, 2020
 1008
ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમા  ભાજપ  સરકાર કરશે ૧૦૦ કરોડનો ધુમાડો, મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો

ગુજરાતના અમદાવાદમા ૨૪ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રથમ લેડી મેલેનીયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વિશ્વના સૌથી મોટા એવા મોટેરા સ્ટેડીયમનું ઉદ્ઘાટન કરવામા આવવાનું છે. જેની માટે અમદાવાદમા પુરજોશમા તૈયારીઓ ચાલી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની તૈયારીમા ગુજરાત સરકાર કોઈ કસર રાખવા માંગતી નથી. જેમાં ટ્રમ્પની મેજબાનીમા ગુજરાત સરકાર ૧૦૦ કરોડનો ખર્ચ કરશે. તેમની ૩.૩૦ કલાકની મુલાકાત દરમ્યાન ૧૦૦ કરોડનો ખર્ચ કરવામા આવશે તેને લઈને લોકોમા ચર્ચા હાલ જોરો પર છે.

ડોનાલ્ડ ટ્રમ્પની મેજબાનીને લઈને તેની તૈયારીમા સામેલ અધિકારીઓ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે તેમના સ્વાગત માટે ખર્ચ એ મોટી બાબત નથી. ટ્રમ્પની યાત્રા માટે શહેરના સુશોભન માટે અમદાવાદ મહાનગર પાલિકા રોડનું સમારકામ અને નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત અને રોડ શો ના રસ્તાના રિસરફેસ માટે ૬૦ કરોડનું બજેટ ફાળવવામા આવ્યું છે. આ ઉપરાંત જે રોડ પર રોડ શો છે તેની માટે ૧.૫ કરોડનું વિશેષ બજેટ મંજુર કરાયું છે.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર ઝળહળતી અને આકર્ષક લાઇટીંગ લગાવવાનું આયોજન ચાલી રહ્યું છે.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટથી જવાના રસ્તે રોડની આસપાસના પ્લોટમાં રહેલા ઝુપડા છુપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તેની આગળ દિવાલ ઉભી કરી દેવામા આવી છે. તે મુદ્દે ભાજપ સરકારના વિકાસ પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાએ મોટેરા સ્ટેડીયમની આસપાસના ગરીબ લોકોને પ્લોટ ખાલી કરવાની નોટીસ આપવામા આવી રહી છે. મહાનગર પાલિકાએ આ લોકોને સાત દિવસમાં પ્લોટ ખાલી કરવાની નોટીસ ફટકારી છે.

Share: