ગુજરાત વિધાનસભામા આવતીકાલે નાણામંત્રી નીતિન પટેલ વર્ષ ૨૦૨૦- ૨૧ નું બજેટ  રજુ કરશે

February 25, 2020
 665
ગુજરાત વિધાનસભામા આવતીકાલે નાણામંત્રી નીતિન પટેલ  વર્ષ ૨૦૨૦- ૨૧ નું બજેટ  રજુ કરશે


ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો મુજબ સંસદીય બાબતોના મંત્રી જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકોનો પ્રારંભ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ શરૂ થશે. મંત્રી એ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.તેમજ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે.તા. ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે,જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. તા. ૨જી અને ૩જી માર્ચ, ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચ, ૨૦૨૦થી થશે, જે માટે કુલ ૪ દિવસ ફાળવવામાં આવેલ છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ત્યારબાદ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે,જે માટે કુલ ૧૨ બેઠકો ફાળવવામાં આવેલ છે.મંત્રીએ ઉમેર્યું હતું કે સમગ્ર સત્ર દરમ્યાન સત્ર દરમ્યાન કામકાજના કુલ ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે. અને સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે.


જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.

Share: